loader-missing

નવા સમાચાર :-

 ||  જાહેરાત માટે

તુલા (ર. ત. )  તુલા (ર. ત. )

પોઝિટિવ :

 • આ વર્ષ દરમિયાન આપની આવકની સાથેસાથે આપની સુખ-સંપત્તિમાં વધારો થાય. જમીનની ખરીદી કે વેચાણ સંબંધિત પ્રશ્નો આ વર્ષે દૂર થાય. વર્ષના મધ્ય ભાગમાં મકાન માટેની જગ્યા ખરીદવાના યોગ બને. જે કોઈ મકાન ખરીદ્યું હોય તેને વેચવાના યોગ પણ સારા છે. સોનામાં કે દાગીનામાં રોકાણ આપને વિશેષ લાભદાયી બને. લોભ, સ્વાર્થના લીધે બની શકે છે કે આપ છેતરાઈ જાઓ. અન્ય કોઈના આધાર પર રાખેલાં કામ આપની મુશ્કેલીમાં વધારો થાય. આપની રાશિ પ્રમાણે આ વર્ષના ગોચરના ગ્રહો અનુસાર વિદેશની બાબતોમાં સારો લાભ પ્રાપ્ત થાય. કોઈ કારણોસર નોકરી કે ધંધાર્થે પશ્ચિમના દેશોમાં જવાનું થાય. જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પ્રયત્ન કરે છે તેવા મિત્રોને સારી કોલેજમાં એડમિશન અને વિઝા બંને મળવાથી આનંદમાં વધારો થાય. જે મિત્રો કાયમી વિઝા માટે અરજી કરી રહ્યા છે તેવા મિત્રોને વર્ષના મધ્ય ભાગ સુધી ફાઈલ ન કરવાની સલાહ છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે સંકળાયેલા હોવ તો વારંવાર વિદેશ પ્રવાસ થાય. ડિસેમ્બર, ૨૦૧૮ પછી સમય જેમ-જેમ પસાર થાય તેમ-તેમ નોકરીમાં સાનુકૂળતાઓ વધતી જાય. સરકારી નોકરીના પ્રયત્નો આ વર્ષ દરમિયાન આપને લાભ કરાવી જાય. જો કોઈ મેનેજર કક્ષાની નોકરી કરતા હોવ તો પ્રમોશનની શક્યતાઓ બને. વ્યવસાયના દૃષ્ટિકોણથી આપનું આ વર્ષ લાભ કરાવી જાય. જૂની ઉઘરાણીનાં નાણાં પરત આવવાથી આપના આનંદમાં વધારો થાય. જો ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો વ્યવસાય કરતા હોવ તો આપને ધંધામાં સફળ થવાની ઘણી તકો છે. ૨૦૭૫નું વર્ષ રાહુની દૃષ્ટિએ આપની રાશિથી ભાગ્યસ્થાને રહેશે. આ રાહુ આપનાં નાનાં મોટાં કાર્યોમાં વિઘ્નો ઉપસ્થિત કરી શકે છે. કૌટુંબિક ક્ષેત્રે આપને સારું માનસન્માન પ્રાપ્ત થાય. ભાગ્યને ભરોસેે બેસી રહેવા કરતાં પરિશ્રમ અને મહેનત કરવાથી આપને વિશેષ લાભ થાય. વર્ષની શરૂઆતમાં આપનાં કાર્યો પૂર્ણ ન થતાં હોય તેવું લાગે. શનિ ગ્રહ આપની રાશિથી પરાક્રમ સ્થાને ભ્રમણ કરશે. તે આપના માટે શુભ ફળદાયી બનશે. છેલ્લા કેટલાય સમયથી અટકેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદની અનુભૂતિ થાય. આ વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધારતી જણાય. એકંદરે શનિના દૃષ્ટિકોણથી આવનારું આ વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવી જાય.
 •  

નેગેટિવ :

 • ગુરુનું ભ્રમણ આપની રાશિથી ધનસ્થાને રહેશે. આ વર્ષે નાણાકીય પરિસ્થિતિ ડામાડોળ રહે. આપના માર્ગદર્શનના કારણે કેટલાક લોકોને જિંદગી સુધારવાની તક મળે. સગાંસંબંધી આ વર્ષમાં આપને લાભ કરાવી શકે. આકસ્મિક ધનલાભના કારણે આપને રોકાણની તકો વધી જાય. ગુરુનું આ ભ્રમણ આપને મિશ્ર ફળદાયી બને. યશ-પદ-ધનમાં વધારો થતા વાદ-વિવાદનાં બીજ ફૂટી શકે તેમ છે. જો આપ રાજનીતિના ક્ષેત્રમાં હોવ તો આ વર્ષે શત્રુમાં વધારો થશે અને લોકપ્રિયતામાં ઘટાડો થશે. કેટલીક વખત આપ જે બોલ્યા છો એમાં ફસાવાનું થાય. કેટલાક કોર્ટ કેસમાં આપને સફળતા ના પણ મળે માટે આ વર્ષ દરમિયાન બોલવા ઉપર સંયમ રાખવો, ગુસ્સા ઉપર કાબૂ રાખવો. આ બાબતો પર નિયંત્રણ નહિ કરો તો વધુ પડતી મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. આપના જે કોઈ જટિલ પ્રશ્નો હોય તેનું નિરાકરણ આ વર્ષે સમાધાનકારી વલણ રાખવાથી સરળતાથી થઇ શકે.
 •  

ફેમિલી :

 • જીવનસાથીના શોધની મહેચ્છા પરિપૂર્ણ થાય. જેવા પાત્રની શોધ કરો છો તેવું પાત્ર મળતા આનંદ થાય, પરંતુ જન્મ કુંડળીના ગ્રહો બળવાન નહિ હોય તો સગાઇ કે સંબંધ તૂટવાના પ્રબળ યોગ બને. આપના વૈવાહિક જીવનમાં ઘણી શાંતિ રહે. આપના જીવનસાથીના સહકારથી આપનું માનસિક બળ વધે. એકંદરે આ વર્ષ દાંપત્યજીવનના દૃષ્ટિકોણથી વધુ મધુર બને. એકબીજાનો પ્રેમ મેળવી શકાય. મોસાળ પક્ષેથી વિવાહ-સગાઈની વાત ચાલી રહી હોય તો સફળતાનું મુખ જોવા મળી શકે છે. શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પરિણીત વ્યક્તિઓને સંતાનસુખની પ્રાપ્તિના યોગ વર્ષના મધ્ય ભાગમાં બની શકે છે. સંતાનપ્રાપ્તિ માટે દવા અને દુવા બંનેની જરૂર પડે. સંતાનના આરોગ્યને લઈને આપને ચિંતા રહ્યા કરે. જોકે, તેમના અભ્યાસ સંબંધિત મુશ્કેલીઓનો ઉકેલ મળતા રાહત અનુભવશો. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં ખૂબ મહેનત કરવી. પરીક્ષા સમયે પાડવા-વાગવાથી ખાસ સાચવવું. ફેબ્રુઆરીથી જૂન મહિનાનો સમય આપના માટે કષ્ટદાયક બની શકે છે. વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ તૈયારીમાં ધ્યાન આપવું. ધાર્યાં પરિણામો મળતાં આપના ઉત્સાહમાં વધારો થાય.
 •  

લવ :

 • ૨૦૭૫નું આ વર્ષ આપના સંબંધોમાં એક નવો વળાંક લઇને આવશે. જૂના સંબંધો ફરીથી તાજા થાય તેમજ જૂના સાથી-મિત્રોને મળવાનું થાય. એકબીજાનાં સંસ્મરણો વાગોળવાથી એ સમય સારો પસાર થાય. આપ જેને પ્રેમ કરો છો તે પાત્રની ઉપર આપ સંપૂર્ણ ભરોસો કરો છો, પરંતુ સામેવાળું પાત્ર આપના ઉપર બની શકે કે શંકા કે કુશંકાનાં વાદળો બનાવે. એકંદરે આ વર્ષ પ્રેમ સંબંધોમાં માધ્યમ ફળદાયી બની રહે. આપનો કોઈ અંગત વિશ્વાસુ આપના પ્રેમસંબંધમાં તિરાડ પેદા ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું.
 •  

કેરિયર/પ્રોફેશન :

 • આ વર્ષ દરમિયાન ઘણા બધા ખર્ચ આવી શકે તેમ છે. નાણાનું આયોજન ગણતરીબદ્ધ કરશો તો બહુ વાંધો નહિ આવે. ધનાધિપતિ મંગળના કારણે ભાગીદારોમાં ખટરાગ થવાની શક્યતાઓ છે. શેરબજારમાં કે લોટરી-જુગારમાં નાણાં કે રોકાણ કરવું નહિ. આ વર્ષ દરમિયાન આરોગ્યના પ્રશ્ને આપનાં નાણાં ખર્ચાઈ શકે છે.
 •  

હેલ્થ :

 • સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષ આનંદપ્રદ રહે. તકલીફમાં વધારો ન થાય, પણ તેનું નિરાકરણ હાલ ન લાવી શકો. કોઈ અંગત કાર્યની દોડાદોડી, અપૂરતી ઊંઘ, અસમતોલ આહાર વગેરે બધા ઉપદ્રવોના કારણે શરીરમાં પિત્ત વધવાની શક્યતાઓ રહે. પરિવારજનો કે મિત્રો સાથે લાંબા પ્રવાસની મજા માણી શકશો. જોકે, પ્રવાસ દરમિયાન પડવાઆખડવાથી ખાસ સાચવવું. આપના કુળદેવીના ધામનાં દર્શન કરવાથી આપને આનંદની અનુભૂતિ થાય. એકંદરે આ વર્ષ આરોગ્ય અને પ્રવાસ માટે ખૂબ સારું રહી શકે છે.
 •  

ઉપાય :

 • આ વર્ષે બને તેટલું સત્યનું આચરણ રાખજો. ગરીબોને દહીં તેમજ ખીચડીનું ભોજન કરાવવું લાભદાયી રહેશે. દરેક શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું તેમજ નિત્ય પ્રાણાયામ અને યોગ કરવાથી આપની તમામ મૂંઝવણનો અંત આવશે અને ખુશાલી જરૂરથી આવશે. યથાશક્તિ ચોખા, દૂધ, સાકરનું સુપાત્રને દાન કરવું આપના માટે લાભદાયક રહેશે. ઘરમાં પવિત્રતા જાળવી રાખવી. શ્રીસૂક્તનો દરરોજ પાઠ કરવો. ‘ૐ કરુણા રસસિન્ધવે નમ:|’ મંત્રનો 3 માળાજાપ કરવો.