loader-missing
 ||  જાહેરાત માટે

ગ્રહોની પ્રકૃતિ અને પ્રભાવ


મંગળ:-

પુરુષ જાતિ, રક્તવર્ણ, ઉગ્ર, પિત્તપ્રકૃતિ, અગ્નિ તત્ત્વ અને દક્ષિણ દિશાનો અધિષ્ઠાતા છે. મંગળ એ શક્તિદાતા ગ્રહ છે. રક્તકારક, ધૈર્ય, પરાક્રમ અને ભાઈ - બહેન સંબંધોનો કર્તા છે. મંગળ એ ઉત્તેજના, તૃષ્ણા અને દુઃખ આપનાર ગ્રહ છે. એને પાપગ્રહ માનવામાં આવે છે.

શુક્ર:-

સ્ત્રી જાતિ, શ્યામ-ગૌર વર્ણ, વિલાસી પ્રકૃતિ, જલીય તત્ત્વ અને અગ્નિ દિશાનો અધિષ્ઠાતા છે શુક્રના દેવ ઈન્દ્રાણી છે. ઋતુ વસંત છે. શુક્ર એ કાવ્ય-સંગીત, વૈભવ, વિલાસ, આંખ, સ્ત્રી, કામેચ્છા અને વીર્યનો કારક છે. શુક્રને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે અને એના દ્વારા સાંસારિક સુખોનો વિચાર કરવામાં આવે છે.

બુધ:-

શ્યામવર્ણ, સોમ્ય પ્રકૃતિ અને ઉત્તર દિશાનો અધિષ્ઠાતા છે. ત્રિદોષનો કારક અને પૃથ્વી તત્ત્વવાળો ગ્રહ છે. બુધ એ જ્યોતિષ, ચિકિત્સા, લલિતકલા, વ્યવસાય અને ચોથા અને દસમા સ્થાનનો કારક છે. બુધ દ્વારા ગુપ્ત રોગ, વાત રોગ, શ્વેત કોઢ, મૂંગાપણું, ચિત્તભ્રમ, વિવેક, જીભ અને તાળવાનો વિચાર થાય છે. બુધ શુભ ગ્રહ સાથે શુભ અને પાપગ્રહ સાથે અશુભ છે. એના દેવતા વિષ્ણુ છે અને એ એકલો શુભ છે.

ગુરુ:-

પુરુષ જાતિ, પિત્તવર્ણ, મૃદુ પ્રકૃતિ અને ઈશાન દિશાનો અધિષ્ઠાતા છે. ગુરુના દેવતા ઈન્દ્ર છે. અને ઋતુ હેમંત છે. આકાશ તત્ત્વોવાળો આ ગ્રહ હ્રદયની શક્તિનો કારક છે. ગુરુ દ્વારા સોજા, ગુલ્મ વગેરે રોગ, ગૃહ, વિધા, પુત્ર, પૌત્ર આદિનો વિચાર થાય છે. ગુરુ એ શુભ ગ્રહ છે. અને પારલૌકિક અને આધ્યાત્મિક સુખોનો કારક છે.

શનિ:-

કૃષ્ણવર્ણ, વાયુ તત્ત્વ અને પશ્ચિમ દિશાનો સ્વામી છે. એ તીક્ષ્ણ પ્રકૃતિનો અને સંકટોનો કારક છે. શનિ, આયુ, બળ, પ્રભુતા, વિપત્તિ, યોગ, મોક્ષ, વિદેશી ભાષા વગેરેનો કારક છે. ક્રૂર અને પાપગ્રહ હોવા છતાં કસોટી પછી વ્યક્તિને સાત્ત્વિક અને તત્ત્વજ્ઞાની બનાવી દે છે.

સૂર્ય:-

પુરુષ જાતિ, રક્તવર્ણ, સ્થિર, પિત્તપ્રકૃતિ અને પૂર્વ દિશાનો અધિષ્ઠાતા છે. સૂર્ય એ આત્મા, આરોગ્ય, સ્વભાવ, રાજ્ય અને દેવાલયોનો સૂચક છે. તેના દેવતા અગ્નિ અને ઋતુ ગ્રીષ્મ છે. સૂર્યથી શારીરિક રોગ, મંદાગ્નિ, માનસિક રોગ, નેત્રવિકાર, અપમાન, કલહ આદિનો વિચાર થાય છે. કરોડરજ્જુ, સ્નાયુ, નેત્ર વગેરે પર એનો પ્રભાવ છે. એના દ્વારા પિતાસંબંધી વિચારાય છે. સૂર્યને પાપગ્રહ માનવામાં આવ્યો છે.

ચંદ્ર:-

સ્ત્રી જાતિ, શ્વેતવર્ણ, ચંચળ, જલીય પ્રકૃતિ અને વાયવ્ય દિશાનો અધિષ્ઠાતા છે. ચંદ્ર એ મન, ચિત્તવૃત્તિ, સ્વાસ્થ્ય, સંપત્તિ, અનુગ્રહ અને માતૃસુખનો કારક છે. એના દેવતા જળ અને ઋતુ વર્ષા છે. ચંદ્રથી જલીયરોગ કફ, પાંડુ રોગ, માનસિક રોગ, ઉદર તથા મસ્તકનો વિચાર થાય છે. વદ છઠથી સુદ દસમ સુથીન ક્ષીણ ચંદ્ર પાપગ્રહ મનાય છે. અન્ય તિથિઓમાં એ શુભ મનાય છે. શુભ ચંદ્ર ચતુર્થ ભાવમાં સંપૂર્ણ ફળ આપે છે.

રાહુ

કૃષ્ણવર્ણ, વાયુ તત્ત્વ અને દક્ષિણ દિશાનો અધિષ્ઠાતા છે. રાહુ એ ક્રૂર અને પાપગ્રહ છે. છળ, કપટ અને કષ્ટોનો કારક છે. જે સ્થાનમાં હોય એના શુભ તત્ત્વને ઘટાડે છે.

કેતુ

કૃષ્ણવર્ણ અને ક્રૂરતાનો ધોતક છે. એ ઉત્તર દિશાનો અધિષ્ઠાતા છે. કેતુ દ્વારા હાથ અને પગોના રોગ, ભૂખતરસ અને ચર્મરોગનો વિચાર થાય છે. કેતુ એ કષ્ટ, ભય અને અભાવનો કારક છે. ક્રૂર ગ્રહ છતાં કેટલીક વાર શુભ ફળ આપે છે. અને રહસ્ય અને આધ્યાત્મિકતાના માર્ગે વ્યક્તિને વાળે છે.